દિલ

દિલ

 દિલ

====
અમિષા હાઈવે પર શુભમની ખાસ્સા અડધાએક કલાકથી રાહ જોઈને ઉભી હતી.એક એક પળનો વિલંબ એને ઉદાસ કરી રહ્યો હતો.આજે સોમવાર છે. શનિવારે કોલેજમાં બન્ને મળ્યાં ત્યારે શુભમે સોમવારના સવારે દશ વાગે અમિષાના ઘેર આવવાનું વચન આપ્યું હતું અને હાઈવેની ચોક્કસ જગ્યાએ ઉભા રહેવાનું કહ્યું હતું.
અમિષાને શનિવાર બપોરથી જ બેચેની હતી. શનિવાર બપોર પછી શુભમનો ફોન અત્યાર સુધી બંધ જ આવતો હતો.આજે સવારે કોલેજમાં પણ તેની હાજરી નહોતી. તેના ફ્રેન્ડ સર્કલના મિત્રો પણ આજે કોલેજમાં ગેરહાજર હતા. પુછવું તો કોને પુછવું?છેવટે શુભમે કહેલ સ્થળે આપેલ સમય મૂજબ અમિષા રાહ જોઈને ઉભી હતી.શુભમ પોતાની ગાડીમાં આ સ્થળેથી અમિષાને લઈને અમિષાના ઘેર જવાનો હતો. વિચારોના વમળમાં દોઢ કલાક પસાર થઈ ગયો પરંતુ શુભમે દેખા ના દીધી.
અમિષા એકદમ ગમગીની સાથે રીક્ષામાં ઘેર પરત ફરી.અમિષાને એકલી જોતાં જ એનાં મમ્મી ભાર્ગવીબેને કહ્યું,"કેમ બેટા એકલી છે? છોકરો કેમ ના આવ્યો?" કોઈ પણ જવાબ આપ્યા વગર અમિષા સીધી બાથરૂમમાં ચાલી ગઈ.ફ્રેસ થવાનો ઘણો પ્રયત્ન કર્યો પરંતુ એની ચિંતા અને ગમગીની દુર ના થયાં તે ના જ થયાં.સોફા પર ફસડાઈ પડી અમિષા.ભાર્ગવીબેને પાસે આવીને દિકરીના માથા પર હાથ ફેરવીને ઉચાટભર્યા હૈયે પુછ્યું, "શું વાત છે બેટા?"
"મમ્મી! કોણ જાણે કેમ શુભમ ના આવ્યા?એમનો ફોન પણ શનિવારથી બંધ આવે છે.એમના મિત્રો પણ આજે કોલેજમાં નહોતા.મને બહું ચિંતા થાય છે.શનિવાર બપોરથી જ મને ચેન પડતું નથી.મારો સતત જીવ કોચવાય છે."-આટલું બોલતાં બોલતાં તો અમિષા રડી પડી.ભાર્ગવીબેને સાંત્વના તો આપી પરંતુ અમિષાની બેચેનીમાં કોઈ ફરક ના પડ્યો.
અમિષાના પિતાજી રોહિતભાઈ અમદાવાદને અડીને આવેલા ગામડાના વતની.ગાંધીનગરમાં સરકારી નોકરિયાત.માતા ભાર્ગવીબેન ગૃહિણી.અમિષાથી મોટી બહેન દિવ્યાનાં એક વર્ષ પહેલાં જ લગ્ન થયેલ છે જે અત્યારે એની સાસરીમાં છે.નાનો ભાઈ ધૃવિલ દસમા ધોરણમાં છે.આ હર્યોભર્યો પરિવાર વતન ગામડામાં જ રહે છે.ધાર્મક અને મિલનસાર પરિવારની ગામ અને સમાજમાં સારી એવી પ્રતિષ્ઠા છે.
પરિવારમાં અમિષાએ શૂભમ વિષે એની મોટી બહેનને જ આજ સુધી જણાવ્યું હતું.એની મોટી બહેને જ અમિષાને સલાહ આપીને કહ્યું કે, "મમ્મીને શરમ દૂર કરીને જણાવી દે કે શુભમ સાથે મારો જીવ મળી ગયો છે."
છતાંય અમિષાએ મમ્મીને વાત કરવામાં અઠવાડિયું કાઢી નાખ્યું.છેવટે અમિષાએ મનનો ડર ખંખેરીને ભાર્ગવીબેનને કહ્યું "મમ્મી એક વાત કહેવી છે."
ભાર્ગવીબેને દિકરીની આંખોમાં આંખ પરોવીને કહ્યું, "બોલ ને બેટા! શું કહેવું છે?"
ખાસ્સી પાંચેક મિનિટ વીતી ગઈ.છેવટે થોડા ક્ષોભ, સંકોચ સાથે અમિષા બોલી,"તું મને ઠપકો તો નહી આપે ને?"
"અરે !ના ભઈ ના.મારાં સંતાનો કોઈ દિવસ ઠપકો આપે એવું કરે જ નહી! બોલ બેટા! ભય ખંખેરીને બોલ. "-ભાર્ગવીબેને આતુરતાથી પુછ્યું.
"હું જે કહેવાની છું એ ઠપકાલાયક છે કે નહીં એ મને ખબર નથી.તું નક્કી કરજે મમ્મી.જો તને ખોટું લાગે તો પ્રથમથી જ માફી માંગું છું મમ્મી."-કહીને અમિષાએ ડરતાં ડરતાં કહ્યું કે, "એક છોકરા સાથે મારો જીવ મળી ગયો છે.હું જે કોલેજમાં અભ્યાસ કરુ છું એ કોલેજમાં જ એ અભ્યાસ કરે છે. અમદાવાદમાં જ રહે છે.એમનું નામ શુભમ છે. સુખી પરિવારના હોવા છતાં ના દંભ કે ના કોઈ આડંબર.છોકરીઓ સાથે રખડતાં મેં એમને ક્યારેય નથી જોયા.હું પણ કોઈ દિવસ એમની સાથે નથી ફરવા ગઈ કે ના કોઈ દિવસ નાસ્તો પાણી કરવા. હા, ગૃપ સાથે ક્યારેક ચા પાણી કર્યાં હોય એ માફ! ફ્રી પિરિયડમાં કોલેજના બગીચામાં ક્યારેય ગૃપમાં બેસીને વાતો જરૂર કરી છે.એમના સંસ્કારો વાણી વર્તનમાં દેખાઈ આવે છે મમ્મી! એટલે તો અમારુ હોશિયાર અને સંસ્કારી યુવક યુવતીઓનું ગૃપ પ્રોફેસરોને ખુબ વહાલું છે.છ મહિના પહેલાં એમના જન્મદિવસ પર અમે વીસેક સહાધ્યાયીઓ એમના આમંત્રણને માન આપીને એમના ઘેર ગયાં હતાં.એમનો સાદગીભર્યો પરિવાર, એમની મમ્મીનો સ્વાભાવ અને અમારી સૌની કરેલ આગતા સ્વાગતા ખુબ જ વખાણવાલાયક હતાં. બસ, એ વખતથી શુભમ સાથે કુણી લાગણી બંધાઈ ગઈ મમ્મી! મને વિશ્વાસ છે કે, હું એમની સાથે ખુબ સુખી થઈશ.છતાંય આખરી નિર્ણય તો તારો અને પપ્પાનો જ માન્ય રાખીશ મમ્મી."-આટલું કહેતાં તો પરસેવો પરસેવો થઈ ગઈ અમિષા અને નીચું મોં કરીને મમ્મીનો જવાબ સાંભળવા બેસી રહી.
ઘડીભર તો દિકરીને નિરખતાં જ રહ્યાં ભાર્ગવીબેન. એમને પણ ભૂતકાળ યાદ આવી ગયો.બસ,કંઈક આવી જ રીતે ભાર્ગવીબેન રોહિતભાઈ સાથે પરિણયમાં પગ માંડીને લગ્નગ્રંથિથી જોડાયાં હતાં ને અત્યાર સુધી સુખી લગ્નજીવનનો આનંદ માણી રહ્યાં છે.ઝટપટ વિચારો ખંખેરીને ભાર્ગવીબેન નીચું તાકીને બેઠેલ દિકરીના માથા પર હાથ ફેરવીને બોલ્યાં, "મને મારા લોહી પર ગળા સુધીનો વિશ્વાસ છે બેટા! મારી દિકરીની પસંદગી યોગ્ય જ હશે."છતાંય એકવાર તું એને અહીં બોલાવ. હું એને એકવાર જોઈ લઉં.પછી તારા પપ્પાને જાણ કરીશું.એમની તું ચિંતા ના કરતી. મારી હા તો એમની તો હા જ હશે."
અમિષાએ ભાર્ગવીબેનના ખોળામાં માથું નાખીને હાશકારો અનુભવ્યો.બીજા જ દિવસે શનિવારે શુભમને મળીને અમિષાએ બધી હકીકત જણાવીને ઘેર આવવા જણાવ્યું હતું પરંતુ શુભમ ના આવ્યો......
સોમવારની સાંજે જમવાનો પણ કોઈ મૂડ નહોતો અમિષાનો.અડધો કલાક કલાકે રીંગ કરતી રહી અમિષા પરંતું શુભમનો ફોન તો બંધ જ હતો.જેમ તેમ રાત્રી પસાર કરીને સવારે કોલેજ જવા તૈયાર થતી દિકરીની સુજાયેલી આંખો જોઈને ભાર્ગવીબેનને પણ મનમાં ચિંતા પેઠી. એટલે તો રવાના થતી દિકરીને ટકોર કરતાં બોલ્યાં,"સાચવજે બેટા! ચિંતા ના કરતી.સૌ સારાં વાનાં થશે."
ઉચાટભર્યા જીવે અમીષા કોલેજ પહોંચી ત્યારે સૌ સ્ટુડન્ટ અને પ્રોફેસરો સભાખંડમાં હતા.ટાંચણી પડે તો પણ અવાજ આવે એવી શાંતિ પથરાયેલ હતી.અમીષા પાછલી હરોળમાં જઈને બેસી ગઈ.
ત્યાં જ પ્રોફેસર ચાવડાએ એકદમ ગમગીન અવાજે કહ્યું,"સ્ટુડન્ટ મિત્રો! ખુબ જ ખેદ સાથે કહેવું પડે છે કે, આપણા સૌનો લાડકો શુભમ આ દુનિયા છોડીને અચાનક ચાલ્યો ગયો.શનિવારે બપોરે એની ગાડીનો અકસ્માત સર્જાયો.ડોકટરોના ઘણા પ્રયત્નો છતાં રવિવારે તો એ બ્રેઇન ડેડ થઈ ગયો.આવા આઘાતજનક પ્રસંગે પણ એનાં માબાપે એના અંગોનું દાન કરીને માનવતાનું ઉત્કૃષ્ટ કાર્ય કરીને શુભમને સાચા દિલથી શ્રધાંજલી આપી. આપણે બે મિનિટનું મૌન પાળીને સદગતને સાચા દિલથી શ્રધાંજલી આપશું."
શ્રધાંજલી આપીને સૌ ભારે હૈયૈ બહાર નિકળી રહ્યાં હતાં પરંતુ છેલ્લી હરોળમાં બેઠેલ અમીષા ક્યારે બેભાન થઈને ઢળી પડી એ તો ત્રણ ચાર જણની નજર પડી ત્યારે ખબર પડી.
પાંચ છ સ્ટુડન્ટો અને એક પ્રોફેસરે ઘણાય પ્રાથમિક ઉપચાર કર્યો પરંતુ અમિષા ભાનમાં ના આવી.
અમિષાનું સ્ટુડન્ટ ગૃપ એને નજીકના દવાખાને લઈ ગયું અને એના ઘેર ફોન કર્યો.તાબડતોબ ભાર્ગવીબેન અને રોહિતભાઈ આવી પહોંચ્યાં.ડોકટરોએ સ્ટુડન્ટો પાસેથી જાણવા મળેલી હકિકતને ધ્યાને રાખીને તપાસ કરતાં નિદાન કર્યું કે, અમિષાને ખુબ ઉંડો આઘાત લાગ્યો છે.
એક દિવસ દવાખાને રાખીને ડોકટરોએ કેટલીક દવાઓ આપીને અમિષાને રજા આપતાં કહ્યું, "ઉંડો આઘાત છે એટલે એના પ્રત્યે ખુબ લાગણીશીલ વર્તન રાખજો. "
ચિંતિત ચહેરે ભાર્ગવીબેન અમિષાને લઈને ઘેર આવ્યાં.એમણે રોહિતભાઈને હકિકતથી વાકેફ કરી દીધા હતા.
અમિષા આમ તો હરતી ફરતી થઈ ગઈ પરંતુ હાલતી ચાલતી લાશ જાણે! એને પળેપળે શુભમ યાદ આવતો હતો. તેનો ચહેરો મગજમાંથી હટતો નહોતો. એની લાગણી, એનો પ્રેમ! હ્રદયમાંથી નિકળવાનું નામ જ નહોતાં લેતાં.વાહ રે વિધાતા! તારી ઉત્કૃષ્ટ પ્રેમ સાથે આવી મજાક! શું બગાડ્યું હતું કોઈનું આ નિર્દોષ પ્રેમી જનોએ?
અમિષા પાસે કે એના મોબાઈલમાં ના તો કોઈ શુભમની તસવીર હતી કે ના કોઈ સેલ્ફી.કેટલો નિર્મળ પ્રેમ!
દુઃખનું ઓસડ દહાડા! બરાબર દોઢેક મહિના પછી અમિષાએ કોલેજમાં પગ મૂક્યો.મોટાભાગના ગૃપમિત્રો અમિષાના ઘેર આવીને ખબર પુછી ગયા હતા છતાંય કોલેજમાં પણ સૌ લાગણીભાવે અમિષાને સાંત્વના આપતાં હતાં.સૌને શુભમના મોતનો પણ એટલો જ ગમ હતો. ક્યાંક ક્યાંક ભણકારા પણ અમિષાને કાને પડી જતા,'ભમરાળીએ ઘેર આવવાનું આમંત્રણ આપ્યું એ જ દિવસે એના પ્રિતમે જીવ ગુમાવ્યો.'
સાભળીને વિહ્વળ થઈ જતી હતી અમિષા પરંતુ એણે પોતે જ પોતાને અભાગણી ગણી લીધી હતી.
અમિષાએ અભ્યાસ પુરો કર્યો અને પ્રાઈવેટ કંપનીમાં સારા પગારે નોકરીએેય લાગી ગઈ પરંતું એના દિલમાં અડીંગો જમાવીને બેઠેલ શુભમને દુર કરવાની એનામાં હાલ તો તાકાત નહોતી જ.
અમિષા વતનથી કંપનીએ આવવા બે વાહન બદલતી.વતનથી રાણીપ સુધી રીક્ષામાં આવતી અને ત્યાંથી સીટી બસમાં કંપની સુધી.
એક દિવસ રાણીપ સ્ટેશને અમિષા રીક્ષામાંથી ઉતરી રહી હતી ત્યાં જ બાજુમાં એક કાર આવીને ઉભી રહી.હેલ્લો અમિષા! કંપની સુધી મારી ગાડીમાં આવવું છે? "
મેનેજર દિવ્યેશને જોઈને જ અમિષા ચૂપચાપ પાછલી સીટમાં બેસીને બોલી,"ખુબ ખુબ આભાર સર."
"એમાં આભાર શાનો અમિષા?ભગવાનની દયા અને મારી મહેનતથી મોટો પગારદાર છું એટલે ગાડી વસાવી શક્યો છું. બાકી તો મારી મમ્મીએ સીવવાના સંચા પર લોહી પાણી એક કરીને મને અભ્યાસ કરાવીને પગભર બનાવ્યો છે.પપ્પાએ તો હું દશમા ધોરણમાં હતો ત્યારે આ દુનિયામાંથી વિદાય લીધી હતી. દારૂણ ગરીબીનો ભૂતકાળ મારી જિંદગી સાથે વણાયેલ છે અમિષા!"
અમિષા આગળ કંઈ બોલી તો ના શકી પરંતુ એને અચાનક શુભમ યાદ આવી ગયો.શુભમ જેવી જ નિખાલસતા અને એવો જ મીઠો લહેકો અમિષાને દિવ્યેશના શબ્દોમાં પડઘાયો.અમિષાને કંપનીમાં આવ્યે બે મહિના થઈ ગયા હતા પરંતુ આજદિન સુધી અમિષા અને દિવ્યેશની સીધેસીધી વાતચીત થઈ નહોતી.અમિષાને દિવ્યેશના શબ્દોમાં ગજબનું આકર્ષણ લાગ્યું પરંતુ એ ચૂપચાપ બેસી જ રહી.એકાદ મહિનામાં તો આ રીતે દશેક દિવસ દિવ્યેશની ગાડીમાં બેસવાનું થયું અમિષાને. અમિષાને દિવ્યેશનું આકર્ષક વધતું ગયું.બન્ને વચ્ચેનું અંતર ઘટતું ગયું.તેના મન અને હ્રદય વચ્ચે સંઘર્ષ પેદા થયો. હ્રદય દિવ્યેશને સતત ઝંખતું હતું તો મન બળવો પોકારીને કહેતું હતું, 'અરે ભુંડી! શું આ જ તારો પ્રેમ હતો શુભમ સાથેનો? તને લગીરેય શરમ નથી આવતી? જેના વિના તું એક પળ પણ રહી શકતી નહોતી એને ભુલી ગઈ કે શું?શું દિવ્યેશ શુભમની તોલે આવે ખરો? ના.... ના.... ના..... કદાપિ નહીં. '
તો વળી હ્રદય વલોપાત કરી ઉઠતું,'જોઈ લે અમિષા!તને દિવ્યેશમાં પણ શુભમ જેવું જ દિલ દેખાશે. '
આખરે અમિષા દિલ હારી બેઠી. ત્રણ વરસ પછી અમિષાના ચહેરા પર ભાર્ગવીબેનને નૂર દેખાયું. પરિવારમાં સૌને શાંતિનો અહેસાસ થયો.અમિષા પરિવારમાં સૌની સાથે વાતો કરતી થઈ ગઈ.
એક દિવસ ભાર્ગવીબેને શાંતિથી દિકરીને કહ્યું, "બેટા અમિષા! તું કહેતી હોય તો ક્યાંક સારૂ પાત્ર જોઈએ."
અમિષાએ નિખાલસતાથી તરત જ ભાર્ગવીબેનને પ્રત્યુત્તર આપ્યો, "મમ્મી! મારી કંપનીમાં જ મેનેજર તરીકે ફરજ બજાવતા દિવ્યેશ ને એકવાર જોઈ લો. તું કહે તો હું, તું ને મારા પપ્પા એકવાર તેમના ઘેર જોઈ આવીએ."
એ જ રાત્રે ભાર્ગવીબેને રોહિતભાઈ સાથે ચર્ચા કરતાં જણાવ્યું, "ભગવાને આપણા પર મહેરબાની કરીને સુંદર મોકો આપણને આપ્યો છે.વાતમાં વિલંબ કરવા જેવો નથી."
રોહિતભાઈ તો રાજીના રેડ થઈ ગયા. ગૂમનામ દશામાં ચાલી ગયેલી દિકરી ફરીથી હસતી થઈ હતી.
રવિવારે સવારે દશ વાગે દિવ્યેશના ઘેર જવાનો કાર્યક્રમ ગોઠવાયો. દિવ્યા અને તેના પતિને પણ બોલાવી લીધાં હતાં. ધૃવિલને તો પોતાની લાડકી બહેન અમિષાના સબંધની જાણ થતાં જ એ એકદમ ખુશખુશાલ હતો.
દિવ્યાની ગાડીમાં સૌ દિવ્યેશના ઘેર પહોંચી ગયાં.દિવ્યેશ પોતાની માલિકીના ફ્લેટમાં રહેતો હતો.પરિવારમાં તો મા એક જ હતી.
ફ્લેટમાં પ્રવેશતાં જ અચાનક અમિષાની નજર બેઠકખંડની દિવાલ પર પડી. સુખડના હાર ચડાવેલ બે તસવીરો ભીંત પર હતી એમાંથી એક તસવીર પર અમિષાની નજર સ્થિર થઈ ગઈ.તંદ્રાવસ્થામાં બોલતી હોય એમ એ બોલી ઉઠી,"દિવ્યેશ! આ ડાબી બાજુની તસવીર તમારા ઘરમાં? શું સબંધ હતો એમની સાથે તમારે?"
ભાર્ગવીબેને અમિષાને બાથમાં લીધી અને ચિંતાગ્રસ્ત ચહેરે બોલ્યાં,"શું વાત છે બેટા? કોની તસવીરની વાત કરે છે બેટા! "
પરંતુ અમિષા તો લવી રહી હતી, "જવાબ આપો દિવ્યેશ. આ તસવીર તમારા ઘરમાં કેમ છે? "
દિવ્યેશ ઝડપભેર અમિષા પાસે આવીને બોલ્યો," અમિષા! એ મને નવજીવન આપનાર અમર આત્માની તસવીર છે.એ મને નવજીવન આપનાર પુણ્યશાળી આત્માના ખોળિયાનું નામ શુભમ છે અમિષા!એ પુણ્યશાળી જીવ તો આ દુનિયામાં નથી પરંતુ એમનું હૃદય મારી છાતીની ડાબી બાજુ ધબકી રહ્યું છે અમિષા."
દિવ્યેશના મોંઢેથી શુભમ નામ સાંભળતાં જ સૌની ગરદન ટટ્ટાર થઈ.બધાં શુભમની તસવીરને એકીટશે જોવા લાગ્યાં.
અમિષા તો ચોધાર આંસુ સાથે તસવીરને વંદન કરીને બોલી રહી હતી, "આખરે તો આપેલો કોલ પાળી બતાવ્યો શુભમ! તમારુ દિલ તો મને આપીને જ રહ્યા!"
================================
લેખક-નટવરભાઈ રાવળદેવ થરા.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું