પ્રકરણ-2
મંદ મંદ શીતળ સમીર વાઈ રહ્યો છે. ધીમે ધીમે આકાશમાં તારાઓ નો મેળાવડો જામતો જાય છે. પંખીઓ પોતપોતાના માળામાં જંપી ગયા છે. રૂખીડોશી પોતાની ડેલીના ઓટલે બેઠા બેઠા ઉંઘી રહ્યા છે. ઉંઘમાં પણ આજ ડોશીને શાંતી નથી. જાગૃત અવસ્થાના વિચારો સપના માં છવાયેલા છે. સપનામાં જુએ છે કે... કંથરી નદી કાંઠામાં સમાતી નથી, આજ જાણે કંથરી ગાંડી તુર બની છે. નદીના ઘસમસતા પ્રવાહમાં મોટા મોટા ઝાડ, ઢોરાઓ તણાઈ રહ્યા છે. નદીના પાણી ઉતરવાનું નામ નથી લેતાં. દિ આથમી ગયો અંધારા ઉતરી આયા છે.. આકાશમાં ઘેરાયેલા કાળા ડિબાંગ વાદળો રાત્રીના અંધકારમાં વધારો કરી રહ્યા છે. ગામના સામા કાંઠે ડોશી ફસાઈ ગઈ છે, અને બેઠી બેઠી હૈયાફાટ રુદન કરી રહી છે એનું રોંગુ સાંભળવા વાળુ કોઈ નથી. પોતાને બચાવવા કોઈ આવશે કે પછી નાવર જેવા જંગલી જાનવર ફાળી ખાશે કે રાતના અંધારામાં કોઈ કાળોતરો એને આભળી જશે, ગામ વારા મને બચાવવા આવશે કે નહી આવે, ગામ વારા આવે કે ના આવે પણ મારો મોતીયો નક્કી મને બચાવવા આવશે. અરેરે મને કંઈ થઈ જશે તો મારા વીના મોતીયા નું કુણ.... એને કુણ ખાવા આલશે. પોતાની જાતને બચાવવા બહાવરી બની આમ તેમ ડાફેરા મારી રહી છે પણ રાતના અંધકારમાં કંઈ દેખાતુ નથી. 'મા બીશો નહી હું આવુ છુ' નદીના પ્રવાહને ચીરતો ધીમો ધીમો અવાજ આવે છે, કાન હરવા કરી એ અવાજ ની દિશા તરફ જોઈ રહી છે. હવે અવાજ વધુ નજીક આવી રહ્યો છે. નદીના ઘસમસતા પ્રવાહમાં કોઈ ઓળુ તરતુ... તરતુ... એની પાસે આવતુ લાગી રહ્યુ છે, ફરી અવાજ આવે છે 'માં હું આ આયો તમે ક્યાં છો' આ વખતે અવાજ ઓળખી જાય છે આ તો મારો મોતી આવે છે. સામો અવાજ આપે છે દિકરા 'હું આંય છુ હાચવી ને' મોતી વધુને વધુ નજીક આવતો જાય છે ઘડી બેઘડી માં કાંઠો આંબી જશે, પણ કાંઠા નજીક સર્જાયેલા વમળમાં મોતી ડુબવા માંડે છે, મોતીને ડુબતો જોતા જ બચાવો... બચાવો... ની બુમો પાડવા લાગે છે, નદીમાં કુદકો મારી મોતીને બચાવવા જવુ છે પણ ભયના માર્યા કુદી શકાતુ નથી. રૂખીડોશીના ડિલમાં ભયનું લખલખીયુ છુટી જાય છે અને આંખ ખુલ્લી જાય છે. વાહના નાકે કુતરાઓ ભસી રહ્યા છે લાકડીને ઓટા હારે ભટકાડી કુતરાને હાકોટા કરે છે પજીવાહની અંદરથી પણ કોઈ આધેડ આદમી ધોકો લઈ હાકોટા કરતા કુતરાને શિવાલયના મારગે કાઢે છે.
કૂતરાઓનો ભહવાનો અવાજ બંધ થતા ડોશી વિચારો માં ખોવાઈ જાય છે. મોતીને આવવામાં મોડુ થતા આજ રૂખી મનમાં અજંપો અનુભવે છે. પોતાના કયા કરમના ફળ ભોગવી રહી છે એના વચારે ચડી છે. જીંદગીભર પોતે કરેલા, કરમનો સરવાળો -બાદબાકી - ગુણાકાર -ભાગાકાર કરી રહી છે અને મનોંમન જમા-ઉધાર પાસાનો હીસાબ કરવા લાગે છે. ભગવાને દરેક માણસના મગજના અજ્ઞાત ખુણામાં જીવનભરની યાદોને સંઘરેલી હોય છે. મનુષ્ય સુખ-દુખના હારા-હેણા પ્રસંગોએ એ યાદો ફરીથી જીવી જતો હોય છે. આજ રૂખીના મનમાં અઘટીત અમંગળના એંધાણ વરતાતા એના મગજના અજ્ઞાત ખુણા માં સંઘરાયેલી યાદો ફરીથી જીવંત થઈ રહી છે. જેમજેમ વિચારતી જાય છે એમ એના જીવનરૂપી ઘટમાળની યાદો સમી ટાઈમ કેપ્સુલની પરતો ખુલતી જાય છે. એના ભીતર ઉભા થયેલા વીચારોના વાવાઝોડામાં તણાતી તણાતી બાળપણમાં જઈ ચડે છે. ત્રણ ભાઈ અને ત્રણ બુનો માં રૂખી સહુથી નાની એટલે એને માથે કોઈ જવાબદારીઓ નહી, મોટા ભાઈ-બુનો એનો પડ્યો બોલ ઝીલતા. આખો દિ તોફાન મસ્તી કરતા રહેવુ. સીમમાં બકરીઓ ચરાવવા જવુ અને ભુખ લાગે તો બકરીનો આંચર મોંઢામાં લઈ દુધ પી લેવુ. વાર તહેવારે નવા નવા લુઘડા પહેરી હેડાજોડી ગોઠણો જોડે ઉજમ કરવો. હોળી-ધુળેટી માં કાઘરીનો કાછડો વારી વાંહની પીચકારી બનાવી આખા ગામના ને પલાડવા અને નહી પલાડવાના બદલા માં ખજુર-ધાણીને ડારીયા ભેગા કરવા સાંજે ભાગ પાડી ખાવુ. ચોમાસામાં વરસાદ બાદ ભીની થયેલ રેતમાં ઘર બનાવવુ, હરખે હરખા ભેગા થઈ રાતે ચોપાડમાં ચોપાટ રમવી. એક વાર બકરાં લઈ સીમમાં ચરાવતી હતી એવામાં નાવર બકરાના ટોળા પર ત્રાટકતા એકજ ડાંગે નાવરની ખોપરી તોડી નાખેલી, સીમમાં કામ કરતા ખેડુઓ રૂખીનુ આ રૂપ જોઈ વખાણ કરતા થાકતા નહી. તો કોઈ વાર ગામના લોકો એના બાપ ગાંડા પજીને કેતા 'પજી આ રૂખીને કુવે બેડુ ભરતા શીખવો આતો પારકે ઘેર દેવાની!' ગાંડા પજીએ હામો જવાબ દેતા 'સમો બધુ શીખવાડી દેશે ભા' આવુ કેનાર સામે રૂખી દાંતીયા કરતી રહેતી. આમને આમ એનુ બાળપણ વિતી રહ્યુ છે. રુખીની માં એ ગરબે પુરવા દિવેલ લઈ નીકળતા ખાટલા માં આડા પડેલા ગાંડા પજીને કીધુ "રૂખલી ના કાકા સાંભળો છો...આ આસો બેહતા રૂખી સોળની થઈ હવે એના હારૂ કોઈ સારૂ ઘર ગોતો" સોળે શણગાર સજી ચોરે ગરબા રમવા જતી રૂખીએ માં ની વાત સાંભળી લેતા શરમાઈ ગઈ નીચી નજરે દોડતી ડેલી પાર કરી ગઈ. છાપ પાડેલો ઘેર વારો ઘાઘરો ગાજીયણનું કાપડું અને એની કસે લટકતા ફુમકા, પગમાં અશ્શેર અશ્શેર ના છડા, હાથમાં સોનાની ચીપો પુરેલા બલોયા માથે આભલા જડેલી લાલ ચુંદડી આંખો માં આંગેલા કાજળ, અને ગોળ મોંઢા માં હડપચીએ કોતરાવેલુ મોરલાનું છુંદણુ રૂખીની જોવનાઈમાં ચાર ચાંદ લગાવી રહ્યા છે. ગામના ચોરામાં સહુ કોઈ એનેજ જોઈ રહ્યા છે. રૂખી અને એની ગોઠણો એક ખુણામાં ઉભાઉભા ઠઠ્ઠા મશ્કરી કરી રહ્યાં છે. જોડે બેઠેલા એક બઈરાએ કીધુ 'અલ્યી છોડીઓ મા ના દાડા છે કંઈક ગીત ગાવને' છોડીયુ હહવા મંડાણી ફરી પેલુ બઈરુ મોઢુ બગાળતા બોલ્યુ 'ગાતા બાતા આવડે છે કે ખાલી ખીખીખી કરતા જ આવડે છે.' અને રૂખીનું મોઢુ લાલઘુમ થઈ ગયુ એક ખુણા માં બેઢા બેઢા બીડી ને ઓલવી રહેલા ઢોલી ને કીધુ "અજાભઈ દાંડી પાડો" એટલુ કેતાતો અજાએ ઢોલને ગળે લટકાવી તાલબધ્ધ રીતે ઢોલ વગાળતા જ ગરબા ફરતે ઘુમતા રૂખીએ ગીત ગાવાનું શરૂ કર્યુ ....
મેં રે છુંદાવ્યુ એક છુંદણુ ...
ઓ મારી ગોઠણો
ઈ રે છુંદણા માં કળા કરતો મોરલો
ઈ રે મારા જન્મારાનો જોડીદાર... ઓ મારી ગોઠણો
મેં રે છુંદાવ્યુ એક છુંદણુ ...
ઓ મારી ગોઠણો...
આ એક અંતરો ઉપાડતા તો ચોરામાં હાજર બધા શાંત થઈ જાય છે. બધાયની આંખો રૂખી અને એની ગોઠણો ના ઘેરા ઉપર મંડરાઈ રહી છે. ગામના મોતીયાળા પણ પોતાની મુછો પર તાવ દેવાનું ભુલી ને જોઈ રહ્યા છે. બઈરા પણ અંદરો અંદર વાતુ કરી રહ્યા છે મૂઈએ ગીત હારૂ જોડ્યુ છે અને રાગે જબરો છે.
ઉગતે અષાઢે ટહુકતો ટેંહુક ટેંહુક
ઈ રે ટહુકે ઘેલુ લગાડતો...
ઓ મારી ગોઠણો
મેં રે છુંદાવ્યુ એક છુંદણુ...
ઓ મારી ગોઠણો
જોવનાઈના ઓંબરે પીયુની યાદ કરાવતો
ઈ રે કળા કરતો મોરલો ....
ઓ મારી ગોઠણો
મેં રે છુંદાવ્યુ એક છુંદણુ...
ઓ મારી ગોઠણો
પીયુ રે બેઠો છે મારો પરદેશ
ઈ રે કળાયો પહોંચાડે સંદેશ...... ઓ મારી ગોઠણો
મેં રે છુંદાવ્યુ એક છુંદણુ...
ઓ મારી ગોઠણો
નથી રેવુ હવે મારે આ દેશ
મારે રે જાવુ છે પીયુને દેશ...
ઓ મારી ગોઠણો
મેં રે છુંદાવ્યુ એક છુંદણુ ...
ઓ મારી ગોઠણો
ચોરા માં બેઠેલા એક બે બઈરાએ રૂખીની માંને આંખોના ઉલાળા કરતાક કીધુ કે 'હવે છોડી પઈણાવા જેવડી થઈ ગઈ છે હો સમુભાભી'. 'હા એના કાકાને કીધુ છે કે દિવારી ચેડ હારૂ હગુ ગોતી ઓણ પઈણાવી દો' સમુભાભી બોલ્યા 'પણ આ રૂખીબુનને હાચવે એવો ગોતજો' એક બઈરૂ ઉભુ થતા થતા બોલ્યુ. બીજુ એક બઈરુ બોલ્યુ કે... 'બેહ ને ઘડીક ચાં હેંડી?' 'ના રે બા કાલ પુરા વારવા જવાનું છે, તમારે તો ઠીક છે.'
ઉગમણે અજવાળા પથરાયા છે... રૂખીની માં એના ધણી ગાંડા પજીને પીત્તળની રકેબી માં ચા આલતા કહી રહી છે કે ... 'આજતો તભા ગોરને ઘરે જોવ અને રૂખી હારુ મુરતીયો ગોતવાનું કામ હોંપો' રકેબીને મોઢા નજીક લઈ જઈ ચાનો હબળકો મારતા ગાંડાજી બોલ્યા 'હો હવે જવાન છોડીનો બાપ હુ મનેય એના હાથ પીરા કરવાની ઉતાવર હે, અને ગોરભાને તો મેં કીધેલુ જ હે' બીજો હબળકો મારતા ક ને બોલ્યા.... 'ઓણ વરહય હારૂ હે, જાર, મગ-મઠ ને કપા બધોય મોલ હારો હે ઉપરવારાની મરજી હોય તો ઓણ જ એના વિવા કરી નાખવા હે'. ડેલીનું બારણુ ઉઘાડીને અંદર આવતા તભો ગોર બોલ્યા 'સમુવહુ ગોરધાણા ખવરાવો હારા હમાચાર લાયો છુ.' ચા પીવા ઉપાળેલી રકાબી હાથમાં થી હેઠી મુકી ચોપાડમાં પડેલા ખાટલાને પાથરતા ગાંડા પજી બોલ્યા 'ગોરભા તમને જ હંભારતા તા ને તમે હાજર થઈ જીયા આવો ખાટલે બેહો અલ્યા બે રકાબી લાય.' રૂખીની માં બેય રકાબીઓ ખાટલા હેઠે મુકી ચા ભરતા ભરતા પુછ્યુ 'હેં તભાબા આ મેમાન કુણ' ચા ભરેલી રકેબી ઉપાડતા તભાગોર બોલ્યા 'આ મારા મામાનો દિકરો' પરસાળમાં ખુંભીને ટેકે ઉભા પગે બેઠેલા ગાંડાપજીએ ચા નો એક હબળકો મારતા કીધુ 'તમારુ મોહારતો સમલા ને... ' 'હા સમલાથી જ રૂખી હારૂ માંગુ લઈને આ મારો ભઈ આયો છે.' ચા ની રકાબી હેઠે મૂકતા ગોરભા એ કીધુ.
'એમ માણહ હારા છે ને આ તો દિકરી દેવાની છે બા....' સમુવહુએ એક હાથે લાજને થોડી વધુ તાણતા રકાબીઓ ઉપાડતા ઉપાડતા પૂછ્યુ.
પેરણના ઘોંજામાંથી બીડીની ઝુડી કાઢી મેમાન હામે લાંબી કરતા ગાંડા પજી બોલ્યા 'આપણા પાંચે વસ્તારનું હગપણ ગોરભાએ જ કરાયુ હે, ને મોરુધોરુ હોય તો આપણને દેખાડે.' પોતાના ઉપરના વિશ્વાસને વધુ મજબુત કરતા તભો ગોર બોલ્યા... 'જેવુ તેવુ હોય તો હું જ ના દેખાડુ ને એ તો જેવુ ઘર હોય ઈ પરમાણે હગુ દેખાડવાનું હોય બીજુતો વીધીના લેખ....' વાક્ય પુરુ કરતા હાથ ઉપર કરી ભગવાન હામુ જોતા હોય એમ જોઈ રહ્યા. અત્યાર સુધી શાંત બેઠેલા સમલાથી આયેલા મેમાન બીડીનું ઠુંઠું ખાટલાના પાયે ઓલવતા બોલ્યા 'તો વેવારની વાત કરી લેશુ.'. તભો ગોર બોલ્યા 'તો તમારા યજમાનને લઈ આવો બે-ચાર દનમાં હામહામા વેવાઈ બેહીને નક્કી કરી લેશે.' ગાંડાપજી વચ્ચે જ બોલી ઉઠ્યા 'ના ગોરભા હગાની વાત તમે જ હેંડાળી છે તો વેવારે તમે જ નક્કી કરી લો, કાંડે કાંડુ થોડુ કપાય કંઈ'. તભાગોરના મામાના દિકરા ભઈ ગાંડાપજી હામે જોતા બોલ્યા... 'મારા યજમાન હારે બધુ નક્કી કરીને નેહર્યો હું હવે વાત તમારે કરવાની છે.' ઘરના ઓંબરાની અંદર કમાડના ટેકે બેઠેલી રૂખીની મા એ ભોડુ બહાર કાઢી જમણા હાથે હાડલાને તાણી મોઢા આડે આડશ ઉભી કરતા બોલી... 'પરાર શીયાળે મારા નાનકાનુ કર્યુ હે પૂછો તભાબા ને'. હકારમાં ભોડુ હલાવતા તભોગોર બોલ્યા.. 'હોવે હોવે આખા ગામને ખબર હે એમાં ચાં કોઈથી શાનુ હે.' પગમાં પડેલા બીડીના ઠોંઠાને જમણા પગના અંગુઠાથી આઘુપાછુ કરતા ગાંડાજી બોલ્યા... 'મારે કંઈ રૂપીયા નથી લેવા, મારે તો રૂખી કંકુ કન્યા છે મને જે મલશે એ કરીયાવર કરીશ, એયને રૂખલીના હાથ પીરા કરી દઉ પછી પરભાસ પાટણ ને દવારકા ની જાતરા એ જાવુ હે.' રૂખીનું માંગુ લઈને આવેલા ગોરભા મનમાં મલકાતા બોલ્યા... 'તો આ હગપણ પાકુને લો આ રાણીછાપ રૂપીયો હું હવે જઉ મારા જજમાનને આ હમાચાર આલુ.' રૂપિયો હાથમાં લેતાકને ગાંડાજી ઉભા થઈ ઘરમાં ગયા અને ડામચીયામાંથી પાંચ પાંચ રૂપિયા લાવી બેય ગોરભાને દક્ષિણા રૂપે આપતા બોલ્યા 'વેવાઈ ને કેજો કે તીયારીમાં રે ઓણ જ લગન લેવાના હે' હકારમાં માથુ હલાવતા હો હો બોલતા બોલતા ગોરભાએ વિદાય લીધી. અત્યાર સુધી રસોડા માં આધમેણ પાંહે બેઠા બેઠા પોતાના હગપણની વાતુ હાંભળતી રૂખી ગોરભા જતા શરમાતા શરમાતા બહાર નીકળી આંગણામાં બકરીને ચારો નાખવા લાગી. ગાંડાજી ઘરમાં વરગણીએ લટકતુ ફાળીયુ ખેંચી માથે વેંટી દંતારી લઈ ખેતર ભણી હેંડતા થીયા.
ખેતરોમાં ખેડુતો જાર વાઢી રહ્યા છે, કોઈ કોઈ ખેતરોમાં પુરા વાળવાનુ ચાલુ છે તો કોઈક ખેતરમાં મગની સેંઘો વેણી રહ્યુ છે. આજ ગાંડાજીની ખુશીનો પાર નથી મોટુ કામ થીયાનો આનંદ છે. 'ગાંડાજી આવો ચા પીતા જાવ.' પડખેના ખેતરમાંથી હાદ હંભળાય છે. ત્રણ ઢેફાં પર મુકેલી તપેલીમાં ચાય પત્તિ ઉકળી રહી છે. ગાંડાજી ફાળીયુ છોડી કમર અને પગ ફરતુ વીંટી ઢીંચણ ફરતા હાથ રાખી ત્રણ ઢેફાં વાળા ચુલાની બાજુમાં આસન જમાવે છે. ચા બનાવતો ખેતર માલીક ચુલામાં લાકડુ આઘુ પાછુ કરતા પુછે છે... 'કેમ આજે મોડા?'
'ગોરભા આયા તા રૂખીનું હગપણ લઈને એટલે થોડુ મોડુ થીયુ'
'ચાં નક્કી કર્યુ?'
'સમલા ને ઓણ તો લગને કરી નાખવા હે'
'હોવે તે કરી જ નખાયને ઓણ વરહ હારૂ હે...એટલે આપળા ગામમાં દહ બાર માંડવા નખાશે' ચાની તપેલી હેઠે ઉતારતા ખેડુ બોલ્યો... ખેતરમાં પુરા વાળતા ખેડુતોને ચા પીવા નો હાદ પાડી ત્રણ ચાર રામ પાતર માં ચા કાઢી એટલા માં તો પુરા વારવા પડતા મુકી બધાય ચા પીવા આવી ગયા. અચેકુ રામ પાતર લઈ બધા ચુલા ફરતે ગોઠવાઈ ગયા. ચુલા માં હરગી ગયેલા લાકડા પર વરેલી રખ્યા માંથી ધુમાળાની બે ત્રણ દોરીઓ આકાશ તરફ ઉડી રહી છે. ફરતા બેઠેલા ખેડુઓ ચા ના હબળકા લેતા લેતા વાતે વળગ્યા છે. એકે ગાંડાકાકા હામુ જોઈ કીધુ... 'ઓણ તો તમારે મગમઠ ઘણા પાકશે'
'હા ભઈ એટલે તો ઓણ એમની રૂખીનો માંડવો નાંખવાનો હે' ખેતર માલીકે ચાનો હબળકો લેતા લેતા કીધુ.
બીજો બોલ્યો 'ગાંડાકાકા ચાર ચેટલી થઈ'
બીડીની ઝુડીને કુંડાળા માં ફેરવતા ફેરવતા ગાંડાકાક બોલ્યા... 'પાંચ ભોર' બીડી પીનારાએ એક એક બીડી લઈ લીધી, ખેતર માલીકે ચુલામાં થી એક લાકડુ કાઢી ગાંડાજી હામુ ધર્યુ બીડી હળગાવી એમણે બીજાને આલ્યુ બીજાએ ત્રીજાને એમ બધાએ પોતપોતાની બીડીઓ હરગાવી ધુમાડા કાઢવા માંડ્યા. બીડીઓ પીતા પીતા બધા એક બીજાના મોલના હમાચાર લઈ રહ્યા છે, ઓણ વરહ હારૂ હોવાથી હઉનો હરખ હમાતો નથી. ખેતર માલીક ઉભો થતા બોલ્યો... 'હેંડો હેંડો દન માથે ચડ્યો આજ આટલા પુરા વારયા વગર ઘરે નથી જાવાનુ.' બધા ઉભા થઈ પુરા વારવા મંડાણા અને ગાંડાકાકા દંતારી ખભે કરી લાંબા ડગલે પોતાના ખેતર ભણી જવા લાગ્યા. ખેતરમાં પહોંચતા જ ગાંડાજીએ દંતારી લઈ મગની સીંઘોના ઢગલાને ફેરવવા લાગ્યા. મગની સીંઘોના ઢગલાને જોઈ મનોમન ભગવાનનો પાળ માનતા જાયશે કે ઓણ છોડીના લગનનો ખરચો કાઢવા જ ભગવાને આટલુ આલ્યુ હે... આમને આમ દિ હાલ્યા જાય છે, નવ નોરતા ને વીસે દિવાળી આવી ને ઉભી રહી છે. હઉના મનમાં દિવારીનો હરખ માતો નથી. ઘરની વહુવારરૂઓએ તાંબા-પિત્તળના બેડા ચમકાવીને અભરાઈએ ગોઠવી દીધા છે, ઉતરડીઓ ને હારબદ્ધ સજાવી છે, ઘરની ભીંતોને ખડીથી રંગીને સુશોભીત કરી નાખી છે, તળીયે છાણ લીંપી કાંગરીની ભાત ઉપસાવી છે. મગા કુંભારે ઘડેલા કોડીયાઓ ખડકીઓ અને ડેલીઓની બહાર ગોખમાં ગોઠવાઈ ને શેરીઓની શોભા વધારી રહ્યા છે, રાત્રે આ કોડીયામાં દિપ પ્રગટાવવામાં આવે ત્યારે શેરીઓ પ્રકાશથી ઝગમગી ઉઠે છે. ઝારપટોરાના દિ મુખીના ઘરે રાવણુ જામ્યુ છે, પરસાળમાં પાથરેલી મોદ પર મોટેરાઓએ આસન જમાવ્યા છે, જવાનીયાઓ આંગણામાં રાખેલા ખાટલા પર બેઠા છે, નાના છોકરાઓએ વાહમાં ધમાચકડી મચાવી દીધી છે. અફીણના કહુંબા થઈ રહ્યા છે "મારા હમ મારા હમ" કહીને એકબીજાને તાણ કરવામાં આવી રહી છે. ચોપાડમાં હુક્કાઓ એક હાથમાંથી બીજા હાથમાં ફરી રહ્યા છે. મુખીએ હુક્કાનો એક કસ મારતા કીધુ કે... 'ઓણ કોના કોના ઘરે માંડવા હે અલ્યા' હઉ એક બીજાના નામ દેવા લાગ્યા... મુખીએ વાતોના આધારે અંદાજો લગાવ્યો કે ઓણ ગામમાં વીહેક જાનુ આવશે. મુખીએ ગળામાં બાઝેલી ખરેડીને દુર કરી ખોંખારો ખાતા ફરી કીધુ 'ઓહોહો... ઓણ ગામમાં વીહેક જાનુ આવશે એમ!' કહુંબા પાણી કરી રાવણુ ગામના ઉગમણે ઝાંપે આવે છે. ગામની કન્યાઓ માથે કળશ ધારણ કરી ગૌધણના વધામણા કરે છે, ગોધણ પસાર થઈ ગયુ પછી શણગારેલા ઘોડાઓ ની દોડ યોજાય છે. લોકો એકબીજાને મળી રામરામ કરી છુટા પડે છે. આનંદ ઉલ્લાસ માં આખો દિ પસાર થઈ જાય છે. તહેવારોમાં નવીન ઉર્જા પ્રાપ્ત કરી ફરી પાછા લોકો ખેતીકામમાં લાગી જાય છે. હેમંતની ગુલાબી ઠંડી ના સમય ને હાથતાળી દઈને શિશિરની કડકડતી ઠંડી એ પોતાનુ જોર વરતાવુનું શરૂ કરી દીધુ છે. રીંગણી પાંચમે ગામમાં માંડવા રોપાવાના હોઈ ગાંડાજી સહીતના હઉ માંડવીયા લગનની તૈયારી માં લાગી ગયા છે. રાતે થતા તાપણાઓ પર લગનની અને જાનૈયાઓની વાતુ થઈ રહી છે ગલઢેરાઓ પોતાના જમાનાના અનુભવો કહીને જવાનીયાઓને ડહાપણ અને વિરતાની વાર્તાઓ સંભળાવી રહ્યા છે. ગામલોકો મનમુકીને લગન માણવાના મનસુબા ઘડી રહ્યા છે.
ક્રમશ:
દેવેન્દ્ર ચાવડા