પ્રકરણ-૧
શ્રાવણ ની શરૂઆત થઈ ચૂકી છે, અષાઢ ઉતરતા સારો વરસાદ થતાં કંથરી નદી બે કાંઠે વહી રહી છે, સૂરજ નારાયણ ક્ષિતિજ ને પેલે પાર જવા ની ઉતાવળ માં છે. ખેડૂતો પણ વાવણી કરી સાંતી, બળદગાડા લઈ ઘર તરફ આવી રહ્યા છે. સાંજ ના સાત પોણા સાત નો સમય છે. કંથરી નદી ના આથમણે કુંતલપુર ગામ ના પૌરાણિક શિવાલય માં ટાબરિયાઓ અને ઘરડા લોકો આરતી માં હાજર થઈ ગયા છે, શ્રાવણ મહિનો હોઈ શિવાલય ના પટાંગણ માં રોજ કરતાં વધુ માણહ ભેગું થયુ છે. ટાબરિયાઓ એ ઝાલર, ટોકરો, ઘૂઘરા અને નગારું જે હાથ લાગ્યું તે વગાળવા તૈયાર થઈ ને ઊભા છે. ઘેરા કેશરી અબોટિયા માં ઉઘાડા શરીરે જટાગર બાપુએ એક હાથ માં આરતી ને’ એક હાથ માં ટોકરી ધારણ કરી છે, જટાગર બાપુ નો પાલતુ કૂતરો પણ આરતી માં હાજરી પુરાવવા હાજર થઈ ગયો છે. જટાગર બાપુ એ બમબમ ભોલે ના નાદ સાથે આરતી ની શરૂઆત કરતાં જ ટાબરિયાઓ એ ઝાલર, ટોકરો, ઘૂઘરા અને નગારૂ વગાળવા નુ શરૂ કરતાં જ સમગ્ર વાતાવરણ ભક્તિમય થઈ ગયું છે.
શિવાલય ની પાછળ થી પસાર થતી શેરીએ દક્ષિણ દિશા તરફ થોડે દૂર હેઠાળે આવેલ પગીવાસ ના નાકે એક ડેલીવાળું પાકુ ધાબાબંધ મકાન આવેલ છે, કથ્થાઇ કાપડું નીચે એવા જ રંગ નો ઢીંચણ થી થોડો નીચે સુધી નો કાઘરો અને માથે પછેડો ઓઢેલી કેડે થી વાંકી વળી ગયેલી, ચૂસાઈ ગયેલી કેરી જેવી કરચલી વાળી ચામડી ના આવરણ માં છુપાયેલ હાડપિંજર જેવી ડોશી હાથ માં ટેકણ લાકડી પકડી ને ઘડીક માં ડેલી માં તો ઘડીક માં ડેલી ની બહાર આંટા મારી રહી છે, મહાદેવ ની આરતી થતા જ એના ચિત્તે ઉચાટ ઉપડયો છે, ડેલી ની બહાર આવી લાકડી ના ટેકે કપાળે હથેળી મૂકી ઓતરાદે મારગે મીટ માંડી ને કોઈ ની રાહ જોતી હોય એમ ઊભી છે. ઘડપણ ના લીધે આંખો ઊંડી ઉતરી ગઈ છે, દૂર નુ દેખાતું નથી આમ છતાં દૂર થી જ આગંતુક ને ઓળખી લેવા ની આશાએ મારગ ભણી મીટ માંડી રહી છે. પરમા પટેલ ભેગુ હાથીપણું કરતાં ખોડા ની વહુ મઘુ વાળું લેવા પટેલ ના ઘરે જવા પગી વાસ ના નાકે થી નીકળતા જ ડોશી ને પૂછ્યું “રૂખી માં કોની વાટ જોવો છો?”.. “મારા મોતી ની બીજા કોની, આજ બહુ મોડુ થીયું હજુ આયો નથી, રોજ તો આરતી ટાણે આઈ જાય છે” રૂખી ડોશી ઉદાસ સ્વરે બોલી.. મઘુ જતા જતા બોલી “મા ચિંતા ના કરશો હમણાં આવી જશે”
ભોળાનાથ ની આરતી નો નાદ સમી ગયો છે, આરતી પૂરી થતા જ જટાગર બાપુ જલાલપુર ના મારગે પડ્યા છે... જલાલપુર કુંતલપુર થી ઉત્તરે રામગઢ ના મારગે આવેલ છે, ત્યાં ના પૂજારી ની સાસરી માં કોઈ મરણ થતા આજની જલાલપુર ના શિવાલય ની આરતી ઉતારવા ની જવાબદારી પણ જટાગર બાપુ ના માથે છે, કુંતલપુર થી જલાલપુર વચ્ચે એક ગઉ નુ અંતર હોઈ જટાગર બાપુ લાંબી ફલાંગે કંથરી નદી ના કાંઠે કાંઠે જઈ રહ્યા પાછળ પાછળ બાપુ નો પાળેલો કૂતરો દોડી રહ્યો છે.
રૂખી મા ના મન ને આજ જપવારો નથી, આરતી પૂરી થયા ને પા કલાક વીતી ગયો પણ રૂખી નો પૌત્ર મોતી હજુ આવ્યો નથી.૨૫ વર્ષ નો મોતી રૂખી ડોશી નો એક નો એક પૌત્ર છે. ડોશી ના ગઢપણ ની લાકડી છે. મોતી કુંતલપુર થી ચાર ગાઉં માથે આવેલ રામગઢ માં કામ કરે છે. રોજ સવારે રામગઢ જાય અને સાંજે પાછો આવે. મોતી ની જણેતા સુવાવડ માં દેવલોક ચાલી ગયેલી અને મોતી નો બાપ જીવો તો મોતી એની માં ને પેટ રેતા જ કંથરી નદી ના સામા કાંઠે એના ખેતર થી પાછો આવતા ડૂબી જતા મોત ને ભેટેલો. મોતી એ મા-બાપ નુ મોઢુ પણ જોયેલું નહીં. મોતી ને મન તો મા-બાપ કે જે ગણો એ રૂખી ડોશી જ હતા. રૂખી મા એ પેટે પાટા બાંધી ને મોતી ને મોટો કરેલો, મોતી નો જન્મ થયો ત્યારે રૂખી ડોશી ને માથુ ઘાલવા એક કાચું છાપરું જ હતું. જેની છત ધાન ચાળવા ની ચાળણી જેવી હતી, ઉનાળા માં બપોરે સુરજ ના તાપ થી બચવા છાપરા ના ક્યા ખૂણા માં છુપાવું એ પ્રશ્ન હતો પણ રૂખી ડોશી પોતાના પછેડા ને છાપરા ની સડી ગયેલી વરીઓ માં બાંધી પોતાની જાત ને અને મોતી ને બચાવતી અને ચોમાસા માં વરસાદ પડતાં ડોશી મોતી ને લઈ શિવાલય ના ઢાળિયા માં આશરો લેતી. આજ મોતી ને આવતા મોડુ થતા રૂખી ડોશી ને પોતાના દુખ ના દાડા સાંભરી આવતા આંખો ભીની થઈ ગઈ ડોશી એ એક હાથ માં પછેડા નો છેડો લઈ આંખ ના ખૂણા સાફ કર્યા, અને પોતાની ડેલી ની બહાર ઓટા ઉપર બેઠા બેઠા મોતી ની રાહ જોવા લાગ્યા. કુંતલપુર ગામ પર અંધારી ચાદર પથરાઈ ગઈ છે, વારુ ટાણું હોઈ ઘરો માં ચમની ઓ અને ફાનસુ પ્રગટી ચૂકી છે. દેશી નળિયા વાળી છતો માં થી ફાનસો નુ અજવાળું રાત્રિ ના અંધકાર ને દૂર કરવા પ્રયત્નશીલ છે. કંથરી નદી ઉપર થી આવતો ઉગામણો ઠંડો પવન ડોશી ને આજ ઉની લૂ જેવો લાગે છે.
પરમા પટેલ ના ઘરે વાળું લેવા પહોચતા જ મઘુ વહુ એ બહાર થી જ સાદ દીધો.. “ હેં પસી કાચી કઈ હાંભર્યું?” વાળું ના વાસણ માં બે ત્રણ કડછા ભરી ને ખીચડી નાખતા નાખતા જ પસી કાચી બોલ્યા ”ના”... ખીચડી માં વધુ ઘી સમાય એટલે ખીચડી વચ્ચે મોટો ખાડો કરતાં કરતાં મઘુ વહુ બોલી “ હેં કઈ નથ હાંભર્યું?” … “મઘુડી ભહતી હોય તો ભહ ને છાનીમાની” પસી કાચી એ જલ્દી વાત ને જાણી લેવા ના ઈરાદા થી મઘુડી ને છણકાવતા કીધું. “રૂખી ડોશી નો મોતી હજુ રામગઢ થી ઘરે આયો નથી.. ગામ માં વાતું થાય છે કે એના બાપ દાદા ની જેમ કંથરી એ એનો ભોગ લીધો” વાતનું વતેસર કરવા ના પોતાના સ્વભાવ માટે જાણીતી મઘુડી બોલી. ઓસરી ની ખૂંભી ને ટેકે બેઠા બેઠા છીંકણી ઘસતા પસી કાચી ના સાસુ ધની માં આ બધુ સાભળી રહેલા, ધની મા રૂખી ડોશી કરતાં ઉમર માં પાંચ સાત વરહ મોટા સુખી ઘર એટલે શરીરનો બાંધો સારો અને આ ઉમરે પણ ધની ડોશી કડેધડે હતા. ધની માં એ રૂખી ની દુખીયારી જિંદગી નજરો નજર જોયેલી, ધની મા છીંકણી નો કુચડો મોઢા માં થી કાઢી છાણાં પર છીંકણી થૂંકી નિસાસો નાખી બોલ્યા ”રૂખલી ની જતી જિંદગીએ પણ ઉપર વાળો એનું સુખ જોઈ શક્યો નહી... રૂખલી ના કુટુંબ માં ચારચાર પેઢીયુ થી બાપે દીકરા નુ મોઢું જોયું નથી... આ મોતિયા ની વહુ મેનાળી ને પૂરા મહિના જાય છે... હે ભગવાન મોતિયોય એના છોકરા નુ મોઢું નહીં ભારે... હે ભગવાન કઈક તો રહેમ કર”
રૂખી ડોશી ઓટલે બેઠા બેઠા આ વાત ને લઈ ને જ ચિંતા માં છે. સાતમા મહિને મેના પીયર સુવાવડ ખાવા ગયેલી ઈ પછી રૂખી ડોશી ઉચાટ માં રહેતા કારણ કે... રૂખી ડોશી ના ઘર માં એક હારે બે પુરુષ ક્યારેય ભેગા થયા નથી. રૂખી ડોશી એ એના ધણી રત્ના ને અને દીકરા જીવા ને કંથરી નદી માં ડૂબી ને મરતા જોયા હતા, એના કુટુંબ માં ચાર ચાર પેઢી ઓ નો ભોગ આ કંથરી નદી એ લીધો છે. પંથક માટે લોકમાતા ગણાતી કંથરી રૂખી ને કાળમુખી લાગી રહી છે, એમાય એના દીકરા જીવા ને કંથરી માં ડૂબી ગયા પછી તો ડોસીએ કંથરી સામુય જોયું નથી અને મોતી ને પણ કંથરી તરફ જવા દીધો નથી. આજ મનોમન રૂખી ડોશી મોતી પર ગુસ્સો ઠાલવી રહ્યા છે કે... મેના સુવાવડ ખાવા ગયા પછી બે ત્રણ મહીના રજા રાખવા મોતી ને સમજાવ્યો પણ... મારૂ માન્યો નહીં. નાનો હતો ત્યારે કંથરી માં જવા ની ના પાડવા છતાં નિશાળે થી કંથરી માં નાહવા જતો રહેતો... મારી કોઈ વાત માનતો નથી... આજ તો ઘરે આવવા દે બરાબર નો વારો લવું કે ઘઇડી માં નો તો વિચાર કર... આમ મનોમન ગુસ્સો ઠાલવતાં ઠાલવતાં રૂખી ડોશી ઓટલા ઉપર બેઠા બેઠા જ ઊંઘી ગયા અને સપના માં સરી પડ્યા.... (ક્રમશ)
લેખક
દેવેન્દ્ર ચાવડા
મો. 9825297913
આ નાનકડી વાર્તા અલગ અલગ પ્રકરણો માં આપની સમક્ષ પ્રસ્તુત કરીશ જો વાર્તા ગમે તો સ્વીકારી લેજો. કોઈ ત્રુટિ રહે તો આપના અભિપ્રાયો, સૂચનો વોટસઅપ મો નંબર. 9825297913 પર મોકલશો, આપના સૂચનો મારા માટે ખૂબ જ અમૂલ્ય રહેશે અને જેના આધારે લેખન માં સુધારો થઈ શકે.