અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ,
-----------------------------------------
શ્રાવણ મહિનાની પ્રભાત છે. વાતાવરણ એકદમ ઠંડુ છે. મંદ મંદ ગતિએ ઠંડો પવન વાય છે.
નરસિંહ મહેતા ભાભીનાં મહેણાંથી ત્રસ્ત થઈ તળાજાથી પોતાનાં વહાલાં ઈષ્ટદેવ ભોળાનાથ એવાં ગોપનાથ મંદિરે જતાં હોય છે. હૃદયમાં સંતાપ લઇ, પોતાની જાતને કોષતા ગોપનાથ મહાદેવ જવા નીકળે છે.
સદાશિવ ભોળાનાથ તેમને ખૂબ વ્હાલા છે. ચાલતાં ચાલતાં રસ્તામાં તેમને અતીતની એક ઘટના નું સ્મરણ થઈ આવ્યું.
પોતે બાળપણમાં મૂંગા હતાં.બોલી શકતા ન હતાં.એક દિવસ તેઓ સદાશિવ ભોળાનાથને ભેટી ખૂબ રડયા,ખૂબ રડયા
અંતરમાંથી અવાજ નીકળે છે કે 'હે ભોળાનાથ તમે જન્મ તો આપ્યો પણ મને વાચા કેમ ન આપી'
હૃદયથી પોકાર કર્યો, કૈલાશથી ભોળાનાથ પ્રગટ થયા.નરસિંહ મહેતાને દર્શન દીધાં, માથે હાથ ફેરવી આશિર્વાદ દીધાં અને કહ્યું બેટા 'રાધા કૃષ્ણ' બોલ. નરસિંહ મહેતાને વાચા આવી અને તેમનો બોલેલ પ્રથમ શબ્દ 'રાધા કૃષ્ણ' હતો. આમ ભોળાનાથે તેમનામાં ગોપી ભાવ પૂર્યો.
'રાધા કૃષ્ણ' મંત્ર જ આગળ જતાં તેમને સદેહે વૈકુંઠ લઈ જવાનો હતો.
ગોપનાથ મહાદેવ આવ્યું. નરસિંહ મહેતા ફરી એકવખત ભોળાનાથ મહાદેવને રીઝવવા આકરું તપ કર્યું.
ભોળાનાથ ફરી એકવખત પ્રસન્ન થઈ પ્રગટ થાય છે. નરસિંહ મહેતા મૂંગા રહી નતમસ્તક કર જોડી ઉભા રહ્યા છે. ભોળાનાથે તેમનાં અંદર વ્યાપેલ વ્યથાનું નિરાકરણ કર્યું.
નરસિંહ મહેતા ભોળાનાથને વિનંતી કરે છે તમને અને મને વહાલાં એવાં ભગવાન શ્રી કૃષ્ણની વૈકુંઠમાં જઈ રાસ લીલા જોવાની ઇચ્છા વ્યક્ત કરી જે ભગવાને સહર્ષ સ્વીકારી.
ભોળાનાથ નરસિંહ મહેતાનો હાથ ઝાલી પૃથ્વીલોકથી વૈકુંઠ જવા નીકળે છે.
અસંખ્ય તારાં મંડળ,નક્ષત્રો,ગ્રહો પોતાની નરી આખે દેખતાં હૃદય બોલી ઊઠ્યું
'અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ,
જૂજવે રૂપે અનંત ભાસે;
દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું,
શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે.'
નરસિંહ મહેતાનાં એક હાથમાં મસાલ અને બીજો હાથ ભોળાનાથનાં હાથમાં.
દૂર બ્રહ્માંડમાં વૈકુંઠ નજરે પડે છે. ગોપીભાવ વધુ પ્રબળ બન્યો છે. પ્રભુને જોવાની ઉત્કંઠા વધતી જાય છે. ધીમે ધીમે બધું સ્પષ્ટ દેખાય છે. રાધા કૃષ્ણ ગોપીઓ સંગ રાસ રમતાં નજરે પડે છે. થોડી થોડી વારે ગોપીઓ ની જગ્યાએ બધાજ રાધા કૃષ્ણ નજરે દેખાય છે.
નાગર નંદજીના લાલ,
નાગર નંદજીના લાલ,
રાસ રમંતાં મારી નથણી ખોવાણી,
કાના' જડી હોયતો આપ,
કાના' જડી હોયતો આપ
રાસ રમંતાં મારી નથણી ખોવાણી...
નાગર નંદજીના લાલ,
આમ રાસલીલાનાં મધુર ગીત કાને સંભળાય છે. કૃષ્ણ લીલા જોઈ નરસિંહ મહેતા પોતાનું ભાન ભૂલી જાય છે.પોતાના હાથમાં પકડેલ મસાલની જોળ હાથમાં લાગી જાય છે.
અચાનક રાસ રમતાં કૃષ્ણ ભગવાનનું ધ્યાન પોતાનાં ભક્ત ઉપર પડે છે. તેઓ દોડતાં આવી નરસિંહ મહેતા નાં હાથ ઉપર લાગેલ અગન જોળ ઓલવી નાખે છે.
કૃષ્ણ ભગવાન પોતાનાં પિતાંબરને ચીરી કપડાંનો એક ટૂકડો નરસિંહ મહેતાના દાઝેલાં હાથ ઉપર બાંધે છે. આમ ભક્ત ની પીડા ભગવાન દૂર કરે છે.નરસિંહ મહેતા ધન્ય અનુભવે છે.
પ્રસન્ન થઈ ભગવાન આશીર્વાદ સ્વરૂપે તેમને કેદારો રાગ આપે છે.
વૈકુંઠ માંથી પૃથ્વી લોક પરત ફરતી વખતે નરસિંહ મહેતા નું હૃદય બોલી ઉઠે છે.
જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા
તુજ વિના ધેનમાં કોણ જાશે ?
ત્રણસેં ને સાઠ ગોવાળ ટોળે વળ્યા
વડો રે ગોવાળિયો કોણ થાશે ?
નરસિંહ મહેતાને વૈકુંઠમાંથી પૃથ્વીલોક મૂકી ભોળાનાથ કૈલાશ પાછા ફરે છે. જ્યાં સતિ માતા પાર્વતી તેમની રાહ જોતાં હોય છે.
નરસિંહ મહેતાને ભગવાન કૃષ્ણએ અનેક વખત દર્શન આપેલ. જીવન નાં છેલ્લા પડાવમાં ભગવાન જાતે આવી તેમને સદેહે વૈકુંઠ લોકમાં પોતાની સાથે લઈ જાય છે.
- કુણાલ શાહનાં જય શ્રી કૃષ્ણ