એક યુવાન એક ખુબ મોટી ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો તેનું નામ માનવ હતું માનવ કંપનીમાં ઇલેક્ટ્રીકલ એન્જીનિયર હતો કોલ્ડ સ્ટોરેજ વિભાગમાં એને ફરજ સોંપવામાં આવી હતી અને કોલ્ડ સ્ટોરેજનું ટેમ્પરેચર, તેમાં ભરવામાં આવેલા ફળ કે શાકભાજી મુજબ જળવાઇ રહે એ જોવાની જવાબદારી માનવની હતી.
એક દિવસ માનવ સાંજના સમયે ઓફીસ છોડતા પહેલા એક કોલ્ડ સ્ટોરેજની ફરીયાદ હોવાથી તેની તપાસ માટે ગયો. આજે બીજો કોઇ મદદનિશ સાથે ન હતો એણે કોલ્ડ સ્ટોરેજની મુલાકાત લીધી અત્યારે તો બીજી કોઇ તકલીફ ન હતી. મુલાકાત લઇને એ જેવો બહાર નીકળવા ગયો કે એનું ધ્યાન પડ્યુ કે બહાર નીકળવાનો દરવાજો લોક થઇ ગયો છે.
માનવે દરવાજો ખોલવા ખુબ પ્રયાસ કર્યા, રાડો પણ ખુબ પાડી પણ તેનો અવાજ બહાર જતો જ ન હતો હવે દરવાજો માત્ર બહારથી જ ખુલી શકે તેમ હતો અને બહારથી કોઇ પ્રતિઉતર મળતો નહોતો ઓફીસનો સમય પણ પુરો થયો હતો એટલે હવે તો સ્ટાફ પણ નીકળી ગયો હોય પોતાનો જીવ બચાવવા માનવે ટેમ્પરેચરને વધારવા પ્રયાસ કર્યો પણ ટેમ્પરેચર વધવાને બદલે ધીમે ધીમે ઘટવા લાગ્યો માનવને થયુ કે આ ઠંડીથી એનું મૃત્યુ થશે એ નિશ્વિત છે.
અતીશય ઠંડીથી માનવ બેભાન થાય તે પહેલા જ કોલ્ડ સ્ટોરેજનો દરવાજો ખુલ્યો દરવાજો ખોલનાર સીક્યુરીટી ગાર્ડ માનવને આજે ભગવાન જેઓ લાગ્યો સીક્યુરીટી ગાર્ડ માનવને કોલ્ડ સ્ટોરેજની બહાર લઇ આવ્યો થોડુ તાપણું કરીને એણે માનવના શરીરને હુંફ આપી.
માનવ સ્વસ્થ થતા જ એણે સીક્યુરીટી ગાર્ડને પુછ્યુ, "કોલ્ડ સ્ટોરેજની તપાસ કરવી એ તારી ફરજમાં નથી આવતું તો પછી તું કોલ્ડ સ્ટોરેજમાં શું લેવા આવ્યો હતો?? "સીક્યુરીટી ગાર્ડે કહ્યુ, "સાહેબ, હું આ કંપનીમાં છેલ્લા બે માસથી નોકરી કરુ છું આ કંપનીમાં હજારો કર્મચારીઓ છે જે રોજ સવારે આવે છે અને સાંજે પાછા ઘરે જાય છે આ હજારો કર્મચારીઓમાં માત્ર તમે એક જ એવા છો જે સવારે આવો ત્યારે મને "ગુડ મોર્નીંગ" કહો છો અને સાંજે પાછા જાવ ત્યારે
"ગુડ ઇવનીંગ" કહો છો તમે જ્યારે હસીને મારી સાથે વાત કરો છો ત્યારે મને થાય છે કે હું પણ માણસ છું..
આજે મને સવારે તમારુ "ગુડ મોર્નીંગ" તો સાંભળવા મળેલ પણ સાંજે હું તમારુ "ગુડ ઇવનીંગ" સાંભળવા રાહ જોતો હતો બધા જ કર્મચારીઓ જતા રહ્યા પણ તમને ન જોયા એટલે મને કંઇક અજુગતુ બન્યાની શંકા ગઇ અને હું તમને શોધતા શોધતા કોલ્ડ સ્ટોરેજમાં આવી પહોંચ્યો.
મિત્રો, આપણી આસપાસ ઘણા એવા લોકો છે જેની નજર સામેથી આપણે રોજ પસાર થઇએ છીએ અને છતાય એનો ચહેરો પણ આપણને યાદ નથી હોતો. આવા લોકો સાથેનો માનવતાપૂર્ણ વ્યવહાર તેને તો આનંદ આપે જ પણ આપણને વિશેષ આનંદ આપે. પ્રયાસ કરીને ખાત્રી કરી લેજો..