શક. .

શક. .

 


શીર્ષક : શક. .

ધીરજભાઈ અને નમ્રતાબેનનો એકનો એક દીકરો એટલે રજત. ખૂબ જ હોશિયાર, ચબરાક, દેખાવમાં ગોરો, રૂપાળો, વાંકડિયા વાળ. એક જ નજરમાં સૌને ગમી જાય એવો. એમ. બી. બી. એસ. ના ત્રીજા વર્ષમાં આવ્યો... ને એક દિવસ ધીરજભાઈ ને બેન્કમાંથી આવતા સ્કુટરનો અકસ્માત થયો. હોસ્પિટલ લઈ જતા રસ્તામાં જ શ્વાસ થંભી ગયા.
નમ્રતાબેન અસહ્ય આઘાતમાં સરી પડ્યા. દીકરો તો મમ્મીને વળગીને ખૂબ રડ્યો. બન્ને મા દીકરા એકબીજાને આશ્વાસન આપતા રહ્યા. ક્રિયા કર્મના 17 દિવસ પૂરા થતા નમ્રતાબેને કહ્યું, રજત.. તું ભણવામાં ધ્યાન આપ. તારે ડૉક્ટર બની તારા પપ્પાના સ્વપ્નને સાકાર કરવાનું છે.
રજત બોલ્યો ; "પણ મમ્મી પૈસા ક્યાંથી આવશે? હજુ બે વર્ષ બાકી છે. ત્યાર પછી બીજું એક વર્ષ. મમ્મી હું નોકરી શોધી લઉં. થોડા પૈસા કમાયા પછી ફરી ભણીશ." નમ્રતાબેન ધરાર ના પાડી," ના દીકરા ,તારા પપ્પાના પૈસા આવ્યા છે, એમાંથી તારી ફી ભરાશે.મારા દાગીના પણ છે. હું કરીશ બધું. બસ તું ભણ અને ડોક્ટર બન. એનાથી તારા પપ્પાના આત્માને શાંતિ મળશે.
નમ્રતાબેને કહી તો દીધું, કે હું કરીશ. પણ ક્યાંથી ? એ પ્રશ્ન એ એમની રાતની ઉંઘ ઉડાવી દીધી. પૈસાની ચિંતામાં બીમાર પડ્યા. તાવ આવી ગયો. દીકરાને જણાવ્યા વગર દવાખાને ગયા. દવા લઈને બહાર નીકળતા જ હતા અને હોસ્પિટલમાં "બ્લડ બેન્ક" લખાયેલું બોર્ડ જોયું. ત્યાં જઈ પૂછપરછ કરી.મનોમન એક નિર્ણય લીધો.
રજત દર મહિને જોતો કે મમ્મા અમુક ચોક્કસ દિવસે ઘરની બહાર જાય છે. તેનું મન થોડું શંકાશીલ બન્યું. મમ્મીને એક વાર પૂછ્યું, મમ્મી ક્યાં જાય છે? નમ્રતા બેને કહ્યું.. કામ છે, તું વાંચવામાં ધ્યાન આપ કહીને.. નમ્રતાબેન નીકળી ગયા.
બીજો એકાદ મહિનો થયો હશે. રજત કોલેજ ગયો. નમ્રતા બેન પડોશમાં ચાવી આપી નીકળી ગયા.
રજત કોલેજથી આવ્યો. બાજુમાં ચાવી લેવા ગયો. ત્યાં તો અમીમાસી બોલ્યા; " રજત, તારી મમ્મી દર મહિને ક્યાં જાય છે?" રજત ચૂપચાપ ચાવી લઈને ઘરે આવી ગયો.
હવે તેણે નક્કી કર્યું કે આજે મમ્મીને પૂછી લઈશ. સાંજે નમ્રતાબેન ઘરે આવ્યા. રજત વાંચતો હતો. એણે બુકની આડમાંથી મમ્મીને જોઈ. નમ્રતાબેને આવીને દીકરાના માથે હાથ ફેરવ્યો અને કહ્યું," બેટા દૂધ બનાવું છું, તું થોડી વાર રહીને આવજે. આપણે સાથે જ ચા નાસ્તો કરીશું."
રજત બુક બાજુમાં મૂકીને ઊભો થઈ મમ્મી પાસે ગયો. મમ્મી આજે થોડી ઢીલી અને માંદલી ..ફિક્કી પડી ગઈ હોય એવું લાગ્યું. એનું મન થોડું વ્યાકુળ બની ગયું. તે મનોમંથન અનુભવવા લાગ્યો. ના..ના.. માને કંઈ નથી પૂછવું. ત્યાં તો ફરી શંકાશીલ મન બોલ્યું.. પૂછી લે.. રોજરોજની ચિંતા અને લોકોની વાતો સાંભળવા કરતા પૂછી લેવું સારું.ને રજતે કહ્યું ,"મમ્મી..."નમ્રતાબેન બોલ્યા.. બોલ દીકરા , તું કંઈ અવઢવમાં છે? કંઇ જોઈએ છે? ફી ભરવાની છે?"
"ના..મમ્મી.. પણ એક વાત પુછવી છે." ને એણે સીધું જ પૂછ્યું," હું થોડા દિવસથી જોઉં છું કે તું દર મહિને ચોક્ક્સ દિવસે બહાર જાય છે. મારે એ જ પૂછવું છે તું ક્યાં જાય છે? શું કામથી જાય છે?"અને નમ્રતાબેન એકદમ જ હેબતાઈ ગયા. આંખોની પાંપણો દીકરાના અવિશ્વાસથી ભીની થઇ ગઈ. છતાં પણ શાંતિથી કહ્યું," બેટા તું ભણી લે. કોઈ ચિંતા નહિ કર. ખબર છે ને કે તારે ડોક્ટર બનવાનું છે?" કહી હસતા હસતા રસોડા તરફ જવા લાગ્યા. રજત એકદમ ધસી આવ્યો.. ને મમ્મી... કહી ઘાંટો પાડ્યો. નમ્રતાબેન આંખો ફાડી દિકરાને જોઇ રહ્યા. રજતે બાવડું પકડી મમ્મીને ઝક્ઝોરી નાખી..ને કહ્યું, બોલ મમ્મી.. તું ક્યાં જાય છે? જવાબ આપ.નારીની સહનશીલતાએ વધુ એક વાર કહ્યું .. બેટા, સમય આવશે ત્યારે હું તને બધું જણાવીશ. ચાલ તારા માટે દૂધ બનાવું છું.. પણ મમતે ચડેલા દીકરાએ આજે મા ને હડસેલો મારીને કહ્યું, બોલ મમ્મી.. કોની સાથે જાય છે? અને ક્યાં જાય છે?
નમ્રતાબેન સ્તબ્ધ થઈ ગયા.. બોલ્યા દીકરા.. ત્યાં તો રજતે ..મા.. ને ધક્કો માર્યો.. એ સાથે જ નમ્રતાબેનનું માથું રસોડાના પથ્થરના રેક સાથે અથડાયું અને ચીસો પાડતા નમ્રતાબેન બેભાન થઈ ગયા. તેમની ચીસ સાંભળી બાજુવાળા અમીબેન દોડી આવ્યા. નમ્રતાબેનને બેભાન થયેલા જોઈ તાબડતોબ દવાખાને લઇને દોડયા.
રજત જે હોસ્પિટલમાં લઈને ગયો ત્યાંની નર્સ અને ડોકટર નમ્રતાબેનને જોઈને ઓળખી ગયા. તેઓ બોલ્યા, રજત.. શું થયું તારી મમ્મીને ? અને રજત ચોંકી ગયો એણે કહ્યું, ડોક્ટર.. તમે મારી મમ્મીને ઓળખો છો? કઈ રીતે ? મને કેવી રીતે ઓળખો ? ત્યાં તો ડૉક્ટર બોલ્યા, એ વાત પછી પહેલા નમ્રતાબેનને ઇમર્જન્સીમાં લઈ લો. અને એક કલાક બાદ ડોક્ટર બહાર આવ્યા . માથામાં વાગવાથી ઘણું લોહી વહી ગયું હતું. તેમણે કહ્યું, રજત.. તારી મમ્મીને બ્લડ ચઢાવવું પડશે,ઓપરેશન કરવું પડશે. નહીં તો પેશન્ટ કોમા માં જઈ શકે છે. પ્લીઝ નર્સ જલ્દી કરો.
ડોકટરે કહ્યું.. રજત તને પણ અને નમ્રતાબેનને પણ ઓળખીએ છીએ પણ,.. એ વાત છોડો.. બોલ, તારી મમ્મીને કેવી રીતે વાગ્યું ?
રજત કહ્યું, ડોકટર.. મારી મમ્મીને તમે કેવી રીતે ઓળખો છો ? તેનો અવાજ થોડો ગુસ્સામાં અને ઊંચો હતો.. અને ડૉક્ટર અને નર્સ બંને સમજી ગયા કે આજે એક દીકરો નહીં પણ એક પુરુષ.. અને તેનું શંકાશીલ મન બોલી રહ્યું છે.
ડોકટર કંઈ પણ જવાબ આપ્યા વિના નમ્રતાબેનને ઇમરજન્સી વોર્ડ તરફ લઈ ગયા. રજત મનમાં ધૂંધવાતો ,ગુસ્સે થતો બેઠો હતો. અડધા કલાક પછી નર્સ બહાર આવી અને રજતને કહ્યું, રજત.. માથામાંથી નીકળતું લોહી બંધ થતું નથી. તુ જલદી આ સ્લીપ લઈને હોસ્પિટલની બ્લડ બેન્કમાં જા અને આ ગ્રુપનું બ્લડ લઈ ઓપરેશન થિયેટર તરફ આવ. હવે રજત ગભરાયો.. અને બોલ્યો ,પણ ..બ્લડ અને ગ્રુપ.. એ બધું તરત તાત્કાલિક.. કયુ ગ્રૂપ છે એ તો ચેક પણ નથી થયું. નર્સે કહ્યું, તું આ સ્લીપ લઈને જા.. જા બેટા.. જલ્દી કર.. પછી તને બધી વાત કરીશ અને રજત બ્લડબેન્ક તરફ દોડ્યો.
બ્લડ બેન્કમાં સ્લીપ બતાવી. રજીસ્ટરમાં સહી કરતી વખતે "બ્લડ દાતા" નામ પર નજર પડી, જોયું તો "નમ્રતાબેન ધીરજભાઈ શાહ" નામ લખ્યું હતું અને સામે સહી કરનાર તરફ જોયું તો દર બે મહિને "બ્લડ દાતા" માં મમ્મીનું નામ લખેલું જોયું. એ બધું સમજી ગયો ને બ્લડ લઈને ઇમરજન્સી વોર્ડ તરફ ગાંડાની જેમ દોડ્યો.
ઈમરજન્સી વોર્ડમાં આવી નર્સના હાથમાં બ્લડ બોટલ આપતી વખતે એના પર આંસુનો અભીષેક કરતો રહ્યો. નર્સે તેના માથે હાથ મૂક્યો.. અને બ્લડ લઈ ઓપરેશન થિયેટર તરફ ગઈ અને બારણું બંધ થઈ થયું અને રજત ત્યાં જ ફસડાઈ પડ્યો.
હોસ્પિટલમાં દાખલ થતાંની સામે જ ગણપતિની મૂર્તિ હતી.. ત્યાં જઈ રડતા રડતા બોલ્યો..હે ઈશ્વર.. મેં મારી દેવી જેવી મા પર શક કર્યો.. મને માફ કરી દો.. કહીને પોક મુકીને રડી પડ્યો.
ત્રણ દિવસ પછી નમ્રતાબેન ભાનમાં આવ્યા. આ ત્રણ દિવસ રજત હોસ્પિટલમાં મમ્મીની પાસેથી ખસ્યો જ નહોતો. નર્સ પોતાના ઘરેથી લાવેલું જમવાનું એને જેમતેમ ખવડાવતી. નમ્રતાબેન ભાનમાં આવ્યા ત્યારે રજત મમ્મીને માથે હાથ ફેરવતો બેઠો હતો. નમ્રતાબેન ભાનમાં આવ્યા એટલે રજતે કહ્યું, મા.. મને માફ કરી દે.. મમ્મી.. તું તારું લોહી વેચીને મને ભણાવતી હતી. ને મે લોકોની વાતો સાંભળીને.. ઉશ્કેરાઈને.. તારા પર શક કર્યો.ધીમેથી રજતે નમ્રતાબેનને પલંગમાં બેસાડ્યા અને મા દીકરો એક મેકને ભેટી પડ્યા.
રજતની આંખમાંથી દડદડ આંસુ સરકતા હતા.
રજત બોલ્યો, મમ્મી.. તું તો બલિદાનની મૂર્તિ.. સહનશીલતાની મૂર્તિ.. ને મેં તારા પર શક કર્યો ? મા.. તારું ઋણ ક્યારેય ના ચૂકવી શકીશ.. પણ.. મા.. તે મને કહ્યું કેમ નહીં ?
મા તારા રક્તના બુંદેબુંદનો હું ઋણી છું.
મને માફ કરી દે. મા.. કહીને માને પગે પડ્યો.
આકાશમાંથી ઈશ્વર પણ પોતાના સર્જન સમોવડી માની પ્રતિકૃતિને વંદી રહ્યો..
રીટા મેકવાન "પલ"
સુરત.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું